ભરૂચ જિલ્લામાં પૂર પ્રભાવિત કિનારાના ગામોમાં ક્ષતિગ્રસ્ત થયેલી વીજ લાઈનનું રિસ્ટોરેશન કરી ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વવત્ત કરતી DGVCL વીજ કંપનીની ટીમો
જિલ્લાના ૪૬ અસરગ્રસ્ત ગામો અને ટાઉનના વિસ્તારના કુલ ૮૨ વીજપોલ, ૨૦ જેટલા ટ્રાન્સફોર્રમ અને ૧૬૮૯ જેટલા મીટરોનું સમારકામ કરાયું : ૧૯ જેટલી ટીમોના ૨૦૪ જેટલા વ્યક્તિઓ રાઉન્ડ ધ ક્લોક યુધ્ધના ધોરણે કામ કર્યું
ભરૂચ- ગુરુવાર- ભરૂચ જિલ્લામાં પૂર પ્રભાવિત કિનારાના ગામો જેમાં પુરના પાણી ૬૬ કેવી સબસ્ટેશ વિસ્તારમાં ઘૂસી
આવતા અંદાજે ભરૂચ જિલ્લાના ૪૬ જેટલા ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થઈ ખોરવાયો હતો. જેમાં ઝગડીયાના તાલુકાના ૫ જેટલા ગામ, ભરૂચ શહેરમાં ૪ વિસ્તારો અને ભરૂચ ગ્રામ્યનાં ૫ ગામ અંકલેશ્વર શહેરનો ૦૧ વિસ્તાર અને અંકલેશ્વર ગ્રામ્યના ૩૧ જેટલા ગામડાં અને નગર પાલિકા વિસ્તારના જનજીવન પુરને લીધે પ્રભાવિત થયા હતા. જો કે, નદીના પાણી ઓસરતાં જ વીજ કંપનીની ટીમો દ્વારા રાઉન્ડ ધી ક્લોક રિસ્ટોરેશન અને નમી ગયેલા થાંભલા ઊભા કરવાની કામગીરી હાથ ધરી આ ગામોમાં વીજપુરવઠો ફરીથી પૂર્વવત્ત કરી દેવામાં આવ્યો છે. તેમ DGVCL વીજ કંપનીના જવાબદાર અઘિકારી શ્રી જે. એન. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ભરૂચની ટીમ દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં જિલ્લાના ૪૬ અસરગ્રસ્ત ગામો અને ટાઉનના વિસ્તારના કુલ ૮૨ વીજપોલ, ૨૦ જેટલા ટ્રાન્સફોર્રમ અને ૧૬૮૯ જેટલા મીટરોનું સમારકામ કરવામાં આવ્યું છે. આ કામ માટે ૧૯ જેટલી ટીમોના ૨૦૪ જેટલા વ્યક્તિઓ રાઉન્ડ ધ ક્લોક યુધ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. હાલ ૪૨ ગામોના ૭૨ વીજપોલ અને ૫ ટ્રાન્સફોર્રમ અને ૧૧૩૮ મીટરોનું સમારકામની કામગીરી પૂર્ણ કરી વીજપરૂવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે હજુ અંકલેશ્વર તાલુકાના ખાલપીયા, સફરૂદ્દીન, જુના ભોરભાટા, કોયલી ગામમાં પૂરના પાણી હોવાથી કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જ્યારે બીજા સ્થળો પર યુધ્ધના ધોરણે ટીમો દ્નારા કામગીરી કરી.
તમામ વીજપોલ અને ટ્રાન્સફોર્મરની કામગીરી પૂર્ણ થતાં ઘર વપરાશનો વીજ પુરવઠો પૂર્વવત્ત કરી દેવામાં આવ્યો છે.
જ્યારે ખેતીવાડીના ફીડરોમાં થયેલા નુકશાનની હાલમાં ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. તેમ તેમણે જણાવ્યું હતું.



ભરૂચ ચાણક્ય સમાચાર.