પશુઓના આરોગ્યને ધ્યાને લઈ સારવાર આપવાના થતા ૧૨૬ પશુઓને સ્થળ પર જ સારવાર અપાઈ
પશુપાલન વિભાગ દ્વારા ૨૨૫૨ જેટલા પશુઓનું રસીકરણ કરી ૩૩૮૦ કૃમિનાશક દવા અપાઈ
ભરૂચ જિલ્લામાં ૫ જેટલી ટીમો દ્વારા પશુઓની સર્વે કામગીરી પ્રગતિ હેઠળ
ભરૂચ- ગુરુવાર- જિલ્લામાં પૂર બાદ રાહત બચાવ અને આરોગ્ય વિષયક સુવિધાઓ માટે યુધ્ધના ધોરણે જિલ્લા વહીવટીતંત્ર દ્નારા કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક પશુઓને સારવાર આપવા માટે અને મૃત પશુઓને શોધીને તેનું પોસ્ટમોર્ટમ સહિતની અન્ય કામગીરી માટે ભરૂચ, અંકલેશ્વર, ઝગડીયા તાલુકાઓમાં ૫ જેટલી ટીમો બનાવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં અંદાજે ખેતી વાડી શાખા દ્નારા ૭૨ ટન જેટલો ઘાસચારો પશુઓ માટે વિતરણ કરવામાં આવ્યો છે.
નાયબ પશુપાલન નિયામક રવિન્દ્રભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત ગામો ખાતે હાલમાં વેટરનરી ઓફિસર
અને લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જુદી- જુદી ૫ જેટલી ટીમ કામ કરી રહી છે. હાલ ૧૨૬ પશુઓને સારવાર આપવામાં આવી તેમજ ૩૩૮૦ કૃમિનાશક દવા તથા ૨૨૫૨ જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જે ગામો ખાતે હજી પાણી ઉતર્યા નથી તેવા વિસ્તારોમાં પણ પશુપાલન વિભાગની ટીમ પાણીમાં જઈને પણ મૃત પશુઓને શોધી રહી છે.
ભરૂચ જિલ્લામાં નિચાણવાળા વિસ્તારમાં પશુઓ બાંધ્યા હોય તેમજ પશુઓ ભારે પાણીમાંથી બહાર ન આવી શક્યા હોય
તેવા મૃત પશુઓના મૃતદેહનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે પશુપાલકની હાજરીમાં કરવામાં આવી રહ્યો છે.
વધુમાં, નાયબ પશુપાલન નિયામક રવિન્દ્રભાઈ વસાવા જણાવ્યું કે આ ટીમો દ્વારા ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાના ગામો ખાતે પશુઓના આરોગ્યને ધ્યાને લઇ સારવાર આપવાના થતા પશુઓને સારવાર તેમજ તેમનું રસીકરણ હાલ પણ કરવામાં આવી રહ્યું છે. પશુપાલન વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાલમાં ચાલુ જ છે તેમ તેમણે ઉમેર્યું હતું.



ભરૂચ ચાણક્ય સમાચાર.