સગર્ભાઓની સલામતીની દરકાર રાખતું આરોગ્ય વિભાગ
પૂરની વિપદા વેળા સગર્ભાઓની સલામત પ્રસૂતિ માટે આરોગ્ય વિભાગના આગોતરા આયોજનથી પ્રશંસનીય કામગીરી
એલર્ટ બાદ નદી કાંઠાના ગામોમાંથી સ્થળાંતરિત કરાયેલી ૨૪ સગર્ભા બહેનોમાંથી ૨ સગર્ભાની સફળતાપૂર્વક અને સલામત પ્રસૂતિ
ભરૂચ- શનિવાર- જિલ્લામાં પૂરની આફત સામે આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગે કરેલી અથાગ મહેનત રંગ લાવી છે. પૂરના પાણી આવવાની તૈયારી વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી આરોગ્ય વિભાગે એલર્ટ કરાયેલા વિસ્તારોમાં સગર્ભા બહેનોની ઓળખ અને સંપર્ક કરીને તેમના સલામત સ્થળાંતર માટે મિશન ઉપાડ્યું હતું. જેથી આકસ્મિક પરિસ્થિતિમાં પણ સગર્ભા બહેનોને ઝડપી અને પૂરતી સારવાર મળી શકે.
માનવીય અને સંવેદનશીલ અભિગમ સાથે મેદાનમાં ઉતરેલી આરોગ્ય વિભાગે તા. ૧૭ સપ્ટેમ્બરે સાવચેતીના
ભાગરૂપે નદી કિનારાના ગામોની કુલ ૨૪ સગર્ભા બહેનોનું સલામત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. અને તા. ૨૧
સપ્ટેમ્બરના રોજ આ સગર્ભા બહેનોમાંથી ૨ સગર્ભાની સલામત સુવાવડ કરવામાં આવી છે. જેમાં માતા અને બાળક બંને
તંદુરસ્ત છે. જ્યારે અન્ય સગર્ભા બહેનો હાલ સલામત રીતે હોસ્પિટલમાં છે.
મહત્વનું છે કે, ભરૂચ જિલ્લાની માથે આવેલી કુદરતી આપદામાં આરોગ્ય વિભાગ દ્વારા ખડે પગે પોતાના કાર્યક્ષેત્રમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવામાં આવી છે. ભરૂચ અને અંકલેશ્વર સહીત જિલ્લાના ૩૫ ગામોમાંથી વરસાદી પાણી ઉતરતાની સાથે આરોગ્યની ટીમ દ્વારા ક્લોરિનેશન, સ્વચ્છતા અને તાવ સાથે અન્ય પાણીજન્ય બિમારીઓ માટે તમામ ગામોમાં સર્વે કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય પણ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે, જેથી જાહેર આરોગ્યની કોઈ પણ ગંભીર પરિસ્થિતિ સર્જાય નહીં.
ભરૂચ ચાણક્ય સમાચાર.