પૂર અસરગ્રસ્ત વેપારીવર્ગ સાથે ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નાના લઘુ અને મધ્યમ વર્ગના વેપાર વાણિજય અને સેવાકીય એકમોને આર્થિક સહાય માટે રાહત પેકેજમાં આવરી લઈ તેનો સીધો લાભ મળશે: ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી
અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની ૩૦ ટીમો બનાવીને તમામ દુકાનદાર સુધી પહોંચીને રાહત પેકેજનો લાભ આપવા જણાવતા જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા
ભરૂચ- શુક્રવાર- સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન નર્મદા નદીમાં આવેલા પુરના કારણે ભરૂચ જીલ્લાના ગામો અને શહેરી વિસ્તારોમાં અસર થઈ હતી. આ પુરના કારણે ભરૂચ જીલ્લાનાં અસરગ્રસ્ત વિસ્તારોના નાના લઘુ અને મધ્યમ વર્ગના વેપાર વાણિજય અને સેવાકીય એકમોને આર્થિક સહાય સાથે અસરગ્રસ્ત વેપારધંધા ખુબ ઝડપથી પુન:કાર્યાન્વિત થાય તે માટે અસરગ્રસ્ત વિસ્તારનાં લોકોને રાજય સરકારની આર્થિક સહાય પહોંચે તે માટે યોજનાની શરતો અને કાર્ય પધ્ધતિ નક્કી કરવામાં આવી છે. જીલ્લા તેમજ તાલુકા કક્ષા માટે સહાય સમિતિ અને જીલ્લા કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે.
જેના અનુસંધાને આજરોજ ભરૂચ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિપંચની વાડી ખાતે પૂરઅસરગ્રસ્ત નાના લઘુ અને મધ્યમ વર્ગના
વેપારીવર્ગ સાથે ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ અધ્યક્ષપદેથી કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્નારા ભરૂચ પૂર અસરગ્રસ્ત વિસ્તારોના પ્રભાવિત નાગરિકો અને નાના-મોટા તમામ વેપારીઓને મદદ પહોંચાડવાના હેતુથી રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ અન્વયેભરૂચના ધોળીકુઈ અને દાંડીયા બજાર વિસ્તારના લોકોને પેકેજની વિગતોની સમજણ આપી રાહત પેકેજમાં અસરગ્રસ્ત તમામને આવરી તેનો લાભ મળે તેવા પ્રયત્નો હાથ ધરાશે તેમ તેમણે જણાવ્યું હતું તથા રાહત પેકેજની તમામ વિગતોથી હાજર વેપારીઓને અવગત કરાયા હતા. નાના લઘુ અને મધ્યમ વર્ગના વેપાર વાણિજય અને સેવાકીય એકમોને આર્થિક સહાય માટે રાહત પેકેજમાં આવરી લઈ તેનો સીધો લાભ મળશે.
વધુમાં તેમણે ઉમેરતા કહ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્નારા ત્રણ -ત્રણ અધિકારીઓની ટીમ બનાવી છે. આ ટીમ સીધી પૂર અસરગ્રસ્ત દુકાનદારો સુધી પહોંચી સર્વે કરશે અને તાત્કાલિક સહાયનું ચૂકવણું થાય તે માટેની કામગીરી ચાલુ કરી દેવાઈ છે.
આ પ્રસંગે જિલ્લા સમાહર્તાશ્રી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, પૂરગ્રસ્તો માટે રાજય સરકારે પેકેજ જાહેર કર્યું છે. અલગ –
અલગ કેટેગરીમાં ૫ હજારથી લઈ ૮૫ હજારની અને તેનાથી પણ વધારે ૨૦ લાખની મર્યાદા માટે લોન સહાયનું પેકેજ જાહેર કર્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ૩૦ ટીમો બનાવીને કાર્યપધ્ધતિ નક્કી દેવામાં આવી છે. આ પધ્ધતિ અનુસાર તંત્રની સર્વેની ટીમ જ તમામ દુકાનદાર સુધી ડાયરેક્ટ પહોંચી આજથી જ સર્વેની કામગીરીનો આરંભ કરી દેશે.
આ વેળાએ ઉપસ્થિત લોકોના મૂંઝવતા પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરી સહાય બાબતે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ નગર પાલિકા પ્રમુખ, નગર પાલિકાના હોદ્દેદારો, ભરૂચ પ્રાંત અધિકારીશ્રી યુ.એન.જાડેજા, જિલ્લા ઉદ્યોગ
કેન્દ્રના મેનેજરશ્રી દવે , ભરૂચ મામલતદાર તથા પદાધિકારીઓ તથા અમલીકરણ અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.




ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No. 77789 49800