ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ સરફુદીન બેટ, દશાંન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ, આલીયાબેટ પર પોલીસ વિભાગની પૂર્વમંજુરી વગર કોઈ પણ અન્ય વ્યકિત પ્રવેશ કે કોઈપણ પ્રકારના બાંધકામ તથા ધાર્મિક મેળાવડા કરવાના રહેશે નહી
ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું
ભરૂચ:મંગળવાર :- ભારત દેશમાં કેટલાક સ્થળે આતંકવાદ અને ત્રાસવાદ કૃત્યો બનાવો બનવા પામેલ છે.ભરૂચ જીલ્લા કક્ષાએ આવા
કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જીલ્લા કક્ષાએ જીલ્લા પોલીસ તંત્ર ધ્વારા
સાવચેતીનાં પગલા રૂપે ઘનિષ્ટ ચેકીંગ તથા અનેક વિવિધ પ્રકારના પગલાંઓ લેવાઈ રહેલ છે. ત્રાસવાદીઓ દરિયાઈ માર્ગે આવી
નર્મદા નદીમાં ઉપસી આવેલા ટાપુઓ તેમજ આલીયાબેટ ઉપર આવી રોકાણ કરે તેવી પુરતી શકયતા છે. અને તેઓ રાષ્ટ્ર વિરોધી
તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજીક પ્રવૃતિઓ કરતાં ઈસમો ને મળી નિર્જન ટાપુઓ ઉપર આશ્રય મેળવી હથિયાર કે
નશાકારક પદાર્થો છુપાવે તેવી શકયતાઓ નકારી શકાય નહીં. ત્રાસવાદી જુથો/સંગઠનો ધ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાનો
તેમજ મહત્વના ધાર્મિક સ્થાનો, ભીડભાડવાળા સ્થળોએ હુમલો કરી ભાગફોડ કરવી, હિંસા કરી ભાંગફોડ કરવી, હિંસા અને ત્રાસ
ફેલાવવાની શકયતાને ધ્યાને લઈ જન સલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેના માટે તકેદારીના પગલા
લેવા જરૂરી જણાય છે.
ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં સરફુદીન બેટ, દશાંન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ નદીમાં ચોમાસાની સીઝન પછી પાણી
ઓછું હોવાના કારણે ઉપસી આવેલાં છે. આ બેટ ઉપર કોઈ માનવ વસ્તી આવેલ નથી, જયારે દરીયા કિનારાને આવેલ
આલીયાબેટમાં લોકોની વસ્તી આવેલ છે. જેઓ પશુપાલન તથા માછીમારી કરે છે. આ ટાપુ કાયમી ટાપુ છે.જે હાઈ ટાઈડ તેમજ
નદીમાં પુર વખતે પણ ડુબતો નથી. આલીયાબેટ, સુરફુદીન બેટ, દશાંન બેટ, મહેગામ બેટ, વેગણી બેટ પર અધિકૃત કરેલ
અધિકારીશ્રીની પૂર્વ મંજુરી વગર કોઈપણ અન્ય વ્યકિત પ્રવેશ કે કોઈપણ પ્રકારના બાંધકામ કે ધાર્મિક મેળાવડા ન કરે તે માટે કોઈપણ
વ્યકિત ને ટાપુપર પ્રવેશ કરતા રોકી શકાય તેમજ ગેરકાયદેસર પ્રવેશ કરનાર વ્યકિત ઉપર કાનુની પગલાં લઈ શકાય અને વ્યવસ્થા
નિયંત્રિત કરી આવી પ્રવૃતિઓ ઉપર જરૂરી નિયંત્રણો મુકવા જાહેરહિત અને જીલ્લાની સુરક્ષા માટે જરૂરી જણાય છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન આર ધાધલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ
સત્તાની રૂ એ એક હુકમ ધ્વારા ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ સરફુદીન બેટ, દશાંન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ,
આલીયાબેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજુરી વગર કોઈ પણ અન્ય વ્યકિત પ્રવેશ કે કોઈપણ પ્રકારના બાંધકામ તથા ધાર્મિક
મેળાવડા કરવાના રહેશે નહીં.
હુકમનો અમલ તારીખ– ૨૫/૦૭/ર૦ર૩ થી દિન-૬૦ સુધી રહેશે.
આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર થશે તેમજ આ હુકમના ભંગ બદલ ફરીયાદ માંડવા
પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.